did-nasa-start-space-tourism

અમેરિકા અંતરિક્ષ સંસ્થા ' દ્વારા ખાનગી નાગરિકોને, સ્પેસ ટુરિસ્ટ તરીકે અંતરિક્ષમાં મોકલવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ અબજોપતિ નાગરિક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર આઠ દિવસ વિતાવવા માટે પાંચ કરોડ 50 લાખ ડોલર ચૂકવશે. આ ત્રણ વ્યક્તિની સાથે નાસાના ભૂતપૂર્વ અંતરિક્ષયાત્રી પણ આ અભિયાનમાં ખાનગી નાગરિક તરીકે જોડાશે, અને અંતરિક્ષ યાત્રાનો ખર્ચ પોતે જ આપશે.

હવે ખાનગી નાગરિક માટે, સ્પેસ ટુરિઝમના દ્વાર ખૂલી ગયા છે તેમ કહી શકાય. સોવિયત યુનિયન રશિયાએ પ્રથમવાર, તેના નાગરિક યુરી ગાગરીનને અંતરિક્ષમાં મોકલ્યા ત્યારથી અંતરિક્ષ યુગનો એક નવો અધ્યાય શરૂ થયો હતો. ત્યારબાદ 1981માં નાસાએ એના સ્પેસ શટલને કાર્યરત કર્યું હતું. વ્યાપારી ઉપગ્રહોને અંતરિક્ષમાં મૂકવાની સાથે સાથે, 'સ્પેસ શટલ' હંગામી ધોરણે અંતરિક્ષમાં એક અંતરિક્ષ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતું હતું. જ્યાં અંતરિક્ષયાત્રી લગભગ એક અઠવાડિયા જેવો સમય રોકાતા હતા.

અંતરીક્ષનું મિશન પૂરું થતાં, છેવટે સ્પેસ શટલ પૃથ્વી ઉપર પાછું ફરતું હતું. સ્પેસ શટલની શરૂઆત થતાની સાથે જ ખાનગી નાગરિકને અંતરીક્ષયાત્રા કરવાનો નવો મોકો મળ્યો હતો. નાસા તેના 'ગેસ્ટ એસ્ટ્રોનોટ' પ્રોગ્રામ દ્વારા ખાનગી નાગરિકને મહેમાન તરીકે અંતરિક્ષમાં લઈ જતું હતું. જે માટે તેમની પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો ન હતો. હવે નાસા અંતરીક્ષયાત્રાનો તમામ ખર્ચ લઈને, ખાનગી નાગરિકને અંતરિક્ષ યાત્રા કરવી, તગડો સાઈડ બિઝનેસ કરવા માંગે છે.

નાસાનો 'ગેસ્ટ એસ્ટ્રોનોટ પ્રોગ્રામ'

માનવીનું પહેલું સપનું, પક્ષીની માફક ઉડવાનું હતું. જે સાકાર થાય બાદ, મનુષ્ય પૃથ્વીને છોડી, અંતરિક્ષમાં જવા તલપાપડ બન્યો. મહાસત્તા ગણાતા અમેરિકા અને સોવિયત યુનિયને તેમના નાગરિકને અંતરિક્ષમાં મોકલીને સાબિત કરી આપ્યું કે 'માનવી પૃથ્વી છોડી, ચંદ્ર સુધી જઈ શકે છે.' આ સમયે અબજોપતિ ધનકુબેરોને લાગ્યું કે 'તેમને પણ અંતરિક્ષ યાત્રા કરવાનો મોકો મળવો જોઈએ.' તેમની અભિલાષા, નાસા જેવી સંસ્થા માટે કમાવાનું એક સાધન બની ગયું છે.

'સ્પેસ ટુરિઝમના કન્સેપ્ટ સાથે, હવે ખાનગી અને સરકારી સંસ્થાઓ ધનકુબેરોને અંતરિક્ષમાં મોકલવા માટે તૈયારી કરી ચૂક્યા છે. એલન મસ્કની સ્પેસ એક્સ કંપની થોડા સમય પહેલા, ખાનગી નાગરિકને અંતરિક્ષની સફર કરાવી ચૂક્યું છે. જોકે અંતરીક્ષમાં લાંબો સમય રોકવું હોય તો, માત્ર નાસા અને રશિયા ખાનગી નાગરિકને આ સુવિધા પૂરી પાડી શકે છે.

આંતરરાષ્ટ્રીય સહયોગથી શરૂ કરવામાં આવેલ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર ખાનગી નાગરિક હવે રોકાઈ શકે છે. નાસા હાલમાં જ ખાનગી નાગરિકને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવા માટે તૈયારી કરી ચૂક્યું છે. માર્ચ મહિનામાં આ અંતરીક્ષયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર પહોંચશે અને કેટલાક વૈજ્ઞાનિક પ્રયોગો પણ કરશે.

ખાનગી નાગરિકની અંતરિક્ષ યાત્રાની વાત કરીએ તો, 1985ના એપ્રિલ મહિનામાં અમેરિકાએ પ્રથમવાર મહેમાન અંતરીક્ષયાત્રી તરીકે ઉટાહના જેક ગાર્ન નામના અમેરિકન સેનેટરને અમેરિકન કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે અંતરિક્ષમાં મોકલ્યા હતા. ત્યારબાદ 17 જૂન 1985ના રોજ સાઉદી અરેબિયાના રાજકુમાર પ્રિન્સ સુલતાન સલમાન અબ્દુલ અઝીઝ અલ-સૌદ અન્ય છ અંતરિક્ષયાત્રી સાથે, સ્પેસ શટલમાં અંતરિક્ષયાત્રી તરીકે ગયા હતા. આ સમયે આરબસેટ નામનો સંદેશાવ્યવહારનો સેટેલાઇટ, સ્પેસ શટલ દ્વારા અંતરિક્ષમાં ગોડવાવામાં આવ્યો હતો.

'સ્પેસ ટુરિઝમ' : નવા કન્સેપ્ટ સાથે રશિયાનું પદાર્પણ

28 એપ્રિલ, 2001ના રોજ એક અમેરિકન ઉદ્યોગપતિ ડેનિસ ટીટો, વિશ્વના પ્રથમ ચુકવણી કરનાર અવકાશ પ્રવાસી બન્યા. રશિયાએ સોયુઝ રોકેટ દ્વારા અમેરિકન ધનકુબેરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર એક અઠવાડિયાની અંતરિક્ષ મુસાફરી કરવી હતી.

ડેનિસ ટીટોએ કથિત રીતે રશિયનોને અવકાશમાં એક અઠવાડિયા સુધી રહેવા માટે લગભગ 20 મિલિયન ડોલર ચૂકવ્યા હતા, ત્યારબાદ દક્ષિણ આફ્રિકન માર્ક અટલવર્થે 25 એપ્રિલ, 2002ના રોજ આવી જ સફર કરી હતી. 2005માં અમેરિકાના ગ્રેગરી હેમન્ડ ઓલ્સેન અને 2006માં બ્રાઝિલના નાગરિક માર્કોસ સીઝર પોન્ટેસને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર અંતરિક્ષ યાત્રા કરવાનો મોકો મળ્યો હતો.

8 સપ્ટેમ્બર, 2006ના રોજ અનુશેહ અંસારી અવકાશમાં જનાર પ્રથમ ઈરાની મહિલા બન્યા. 2021માં એલોન મસ્ક અને જેફ બેઝોસની અંતરિક્ષ કંપની દ્વારા ખાનગી નાગરિકને અંતરિક્ષ સફર કરાવવામાં આવી હતી. 16 સપ્ટેમ્બર 2021ના રોજ અબજોપતિ એલોન મસ્ક દ્વારા તમામ 4 નાગરિક ક્રુને, અંતરિક્ષના પ્રથમ મિશન પર મોકલવામાં આવ્યા હતા.

જેમાં ખાનગી અંતરિક્ષ મુસાફર તરીકે 38 વર્ષીય ટેક ઉદ્યોગ સાહસિક જેરેડ ઇસાકમેન, 51 વર્ષીય ભુ-વિજ્ઞાની સિયાન પ્રોક્ટર, 42 વર્ષીય એરોસ્પેસ ડેટા એન્જીનીયર ક્રિસ સેમ્બ્રોસ્કી અને 29 વર્ષીય હેલી આર્સેનોક્સનો સમાવેશ થતો હતો. જેની સામે નાસાએ હવે નક્કર પગલાં ભર્યા છે. નાસા ચાર અંતરિક્ષ યાત્રા કરાવશે. જેઓ એપ્રિલ 2022માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર એક સપ્તાહ વિતાવશે અને પ્રયોગો કરવા માટે પોતાનું મોડ્યુલ વિકસાવતી ખાનગી સ્પેસ કંપની આ સફરનું સંચાલન કરશે.

મિશન AX - 1 : કેટલીક અજાણી વાતો

માઈકલ લોપેઝ એલેગ્રિયાનો જન્મ સ્પેનમાં થયો હતો, પરંતુ તેમનો ઉછેર અમેરિકાના કેલિફોર્નિયામાં થયો છે. જ્યારે માર્ક પેથી કેનેડિયન નાગરિક છે. એટન સ્ટીબેનુંવતાં ઇઝરાયેલ છે. 30 માર્ચ 2020ના રોજ ચારેય અંતરિક્ષ યાત્રી ફ્લોરિડામાં આવેલ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરનો સ્પેસ લોન્ચ કોમ્પલેક્ષ 39Aથી ફાલ્કન 9 રોકેટ દ્વારા અંતરિક્ષ મુસાફરીની શરૂઆત કરશે. આ મિશનને AX - 1 નામ આપવામાં આવ્યું છે.

ચારેય અંતરિક્ષ યાત્રી ઓગસ્ટ 2021થી નાસાનાં હ્યુસ્ટનમાં આવેલ જોન્સન સ્પેસ સેન્ટર અને અન્ય સુવિધાઓ કેન્દ્રોમાં તાલીમ લઈ રહ્યા છે. આ તાલીમ તેમને ISS સિસ્ટમ્સ, બોર્ડ પરની વૈજ્ઞાનિક સુવિધાઓ અને કટોકટીની પ્રક્રિયાઓથી પરિચિત કરાવશે. આ ઉપરાંત તેઓ સ્પેસ-Xની હોથોર્ન, કેલિફોર્નિયા સુવિધા ખાતે તાલીમ લઈ રહ્યા છે.

સ્પેસઅક્સની તાલીમ તેમને ક્રુ ડ્રેગન કેપ્સ્યુલની કામગીરીથી વાકેફ કરશે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર જવા અને આવવા માટેની કાર્યવાહીમાં મદદ કરશે. ભવિષ્યમાં એક્ષિઓમ સ્પેસ, એક સ્પેસ ટુરિઝમ કંપની તરીકે કામ કરવા માંગે છે. આ મિશન દ્વારા તે સ્પેસ ટુરિઝમના અગત્યના પ્રાથમિક પાઠ શીખશે.

Post a Comment